ગુજરાતભરમાં અનરાધાર અને સતત પડી રહેલા વરસાદના કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ભારે વરસાદના કારણે ખરીફ પાકને મોટાપાયે નુકશાની પહોંચી છે. ડાંગર, મકાઈ, તલ, મગફળીના પાકને નુકશાન થયાની માહિતી સામે આવી છે. જેમાં તલમાં સૌથી વધુ નુકશાન જોવા મળી રહ્યું છે. તો મગફળીમાં સફેદ ફુગ આવી ગઇ છે, જ્યારે કપાસમાં ચુસિયા નામનો અને બાજરીમાં ગુંદરિયા નામનો રોગ ફેલાઇ રહ્યો છે.
નદી કાંઠાના, નીચાણવાળા તેમજ ડેમની નીચેના ભાગમાં આવેલા વિસ્તારોમાં પાણીના વિનાશકારી વહેણના કારણે ખેતરોના ખેતરો ધોવાઇ જતા તે વિસ્તારોમાં પાકનો સફાયો બોલાઇ ગયો છે. ખેડૂતોના ખાતર-બિયારણ નિષ્ફળ ગયા હોવાથી લીલા દુષ્કાળની સ્થિતિ પ્રવર્તી રહી છે. રાજ્યમાં દરેક જિલ્લા-ઝોનની વરસાદ પડવાની પેટર્ન અને ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ જોવા મળી રહી છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ડાંગર, મકાઈ, જુવાર, મગફળી, કપાસ, તમાકુ સહિતના મુખ્ય પાકોમાં કરોડોનું નુકશાન થયું છે.
એક આંકડા અનુસાર ચાલુ વર્ષે ખેડૂતોએ અનેક આશાઓ સાથે 82.89 લાખ હેક્ટરમાં ખરીફ વાવેત કર્યુ હતું. જે ગત વર્ષની સરખામણીમાં 3.67 લાખ હેક્ટર વધુ વાવેતર છે. પરંતુ કેટલાક દિવસોથી વાદળછાયા, ભેજવાળા વાતાવરણ અને સતત પડી રહેલ વરસાદના લીધે ખેતીપાકને ભારે નુકશાની પહોંચી છે. જેના કારણે ખેડૂતોની હાલત પણ કફોડી બની છે. આ વખતે ઉત્તર ગુજરાતમાં 16 લાખ 35 હજારથી વધુ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 15 લાખ 69 હજારથી વધુ, સૌરાષ્ટ્રમાં 37 લાખ 83 હજારથી વધુ અને દક્ષિણ ગુજરાતમાં 7 લાખ 15 હજારથી વધુ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. તો કચ્છમાં 5 લાખ 93 હજારથી વધુ હેક્ટરમાં ખેડૂતોએ વિવિધ પાકોની વાવણી કરી છે.