ભાજપ શાસિત રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એક બાદ એક શહેરોના નામ બદલવાના નિર્ણયો લઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ શહેરના નામ નહીં પણ ફ્રૂટના નામ બદલવા માટે જાણીતા થઈ ગયા છે. જી હાં ડ્રેગન ફ્રુટ ગુજરાતમાં હવે કમલમ ફ્રૂટ તરીકે ઓળખાશે.
આ નામ ખુદ સરકારે આપ્યું છે એટલું જ નહીં, રુપાણી સરકારે નવા નામની માન્યતા માટે દરખાસ્ત પણ કરી છે. જેથી ભવિષ્યમાં ડ્રેગન ફ્રૂટને ઓફિશિયલ કમલમ નામ મળી શકે છે. શહેર અને ગલીઓના નામ બદલતા તો તમે જોયા હશે પરંતુ હવે ડ્રેગન ફ્રૂટનું નામ પણ બદલાઈ ગયું છે.
કમળ જેવું દેખાતું હોવાથી ડ્રેગન ફ્રૂટ તરીકે જાણીતા આ ફળનું નામ કચ્છના ખેડૂતોએ કમલમ્ આપ્યું છે. પણ હવે સરકારે પણ આ ફળને કમલમ્ નામ આપી દીધું છે અને તેને સ્વીકૃતિ અપાવવા માટે દરખાસ્ત પણ કરી છે.
આ ફળની ખેતી કચ્છ સહિત ગુજરાતમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. પરંતુ તેનું ડ્રેગન ફ્રૂટ નામ શોભતું નહીં હોવાનું સરકાર માને છે. તેથી હવેથી આ ફ્રુટને કમલમ અથવા કમલમ્ ફ્રુટનું નામ આપવાની જાહેરાત મુખ્યમંત્રી રૂપાણીએ કરી છે.