આરોગ્ય સેતુ એપ્લિકેશનના ઉપયોગને લઈ કર્ણાટક હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી મહત્વની ટિપ્પણી કરી હતી. આ મામલે કર્ણાટક હાઈકોર્ટે જણાવ્યું કે, આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરનારા નાગરીકોને કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારો જરુરી સરકારી સુવિધાઓથી વંચિત રાખી શકે નહીં.
જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ અશોક રામ કિનાગીની બેંચે આરોગ્ય સેતૂને ફરજિયાત ડાઉનલોડ કરવા વિરુદ્ધની અરજી પર સુનાવણી કરતા કહ્યુ હતું કે, આવા લોકોને સાર્વજનિક સેવાઓથી વંચિત રાખી શકાય નહીં. ત્યારે હવે હાઈકોર્ટે એ લોકોને રાહત આપી છે કે, જેણે પોતાના મોબાઈલમાં આરોગ્ય સેતૂ એપ્લીકેશન ડાઉનલોડ નહીં કરવાના કારણે મુશ્કેલીઓ વેઠી રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દેશમાં માર્ચ મહિનામાં કોરોના વાયરસના કહેરને ધ્યાને રાખીને લોકડાઉનના થોડા સમય બાદ આરોગ્ય સેતૂ એપ્લીકેશન લઈને સરકાર ગંભીર થઈ હતી. વિતેલા થોડા મહિનામાં ભારત સરકાર વારંવાર લોકોને આ એપ્લીકેશન ડાઉનલોડ કરવા દબાણ કરી રહી છે. ત્યારે આ મામલે કર્ણાટક હાઈકોર્ટની ટિપ્પણીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.