દિવાળીના તહેવારો પહેલા રાજ્ય સરકારે કર્મચારીઓને ભેટ આપી છે. રાજ્ય સરકારે કર્મચારીઓ અને અધિકારીઓ સહિત સરકારની ગ્રાન્ટ હાંસલ કરતા સંસ્થાના કર્મચારીઓને બાકી રહેલું મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે વર્ગ-4ના કર્મચારીને 3500 રૂપિયા બોનસ આપવાની જાહેરાત કરી છે. આ સિવાય 3 મહિનાનું મોંઘવારી ભથ્થુ સરકાર દ્વારા ચુકવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ સરકાર વતી આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીને રાજ્ય સરકાર દ્વારા 3500 રૂપિયાનું બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ રકમ દિવાળી પહેલા જ કર્મચારીઓના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે 1 સપ્ટેમ્બર 2019થી 6 માસનું મોંઘવારી ભથ્થું ચૂકવવાનું હતું પરંતુ કોરોનાને કારણે સરકારની આવકમાં ઘટાડો થતાં સરકારે ભથ્થું આપવાનું મુલતવી રાખ્યું હતું. પરંતુ હવે તમામ પ્રવૃતિઓ પુનઃ શરૂ થઇ જતાં રાજ્ય સરકારની આવકમાં વધારો થયો છે.
નીતિન પટેલે જણાવ્યું કે સરકારી કર્મચારીઓને કુલ 6 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવવાનું બાકી હતું. જે પૈકી હાલ 3 મહિનાનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના કર્મચારીઓ, બિન-સરકારી શાળાઓ અને કોલેજોના કર્મચારીઓ તથા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-૪ ના કુલ ૩૦,૯૬૦ કર્મચારીઓને લાભ મળશે.