હજી તો મે મહિનાની શરુઆત થઈ છે તેમ છતાં ચાલુ વર્ષે સાર્વજનિક ગણેશોત્સવની સાદાઈપૂર્વક ઉજવણી કરવાનો નિર્ણય અત્યારથી જ લઈ લેવામાં આવ્યો છે. કારણકે દર વર્ષે મે મહિનાના અંતિમ સપ્તાહમાં ગણેશોત્સવની તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવતો હોય છે.
ચાલુ વર્ષે મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્ય અને ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોના વાયરસની જીવલેણ બિમારીએ હાહાકાર મચાવી દીધો છે. જેના કારણે બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સમન્વય સમિતિએ ગણેશોત્સવની ઉજવણી કરવાનો તો નિર્ણય લીધો છે પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે તેને સાવ સાદાઈપૂર્વક કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
વર્ષો પહેલાં પ્લેગમાં જે રીતે લોકોએ ગણેશોત્સવ ઉજવ્યો હતો એ જ રીતે આ વર્ષે પણ મુંબઈગરાંએ ખાસ કરી સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ ગણેશોત્સવ સાદાઈભેર ઉજવવાની માનસિક તૈયારી રાખવી, એવું આવાહન બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ મંડળના અધ્યક્ષ નરેશ દહિબાવકરે કર્યું છે. જેને અનેક મોટા ગણેશોત્સવ મંડળોએ સહમતિ દાખવી છે.