સમગ્ર દેશમાં આજે 2021ના મહાશિવરાત્રી પર્વની ધૂમ મચેલી છે. કાશીથી લઈને હરિદ્વાર સુધી અને ઉજ્જૈનથી લઈને ગોરખપુર સુધી ભક્તો ભગવાન શિવની આસ્થામાં ડૂબકી લગાવી હતી.
દેશમાં આજે ચારેબાજુ બમ-બમ ભોલેનો નાદ ગૂંજતો જોવા મળ્યો હતો. હરિદ્વારના હર કી પૌડી ઘાટથી લઈને વારાણસીના અસ્સી ઘાટ સુધી ભગવાન શિવના ભક્તો પવિત્ર સ્નાનનો લાભ લેતા જોવા મળ્યા હતા. કોરોના કાળ વચ્ચે શિવરાત્રી પર્વને લઈ તંત્ર દ્વારા પણ સાવચેતી રાખવામાં આવી રહી છે. સાથે જ પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મહા શિવરાત્રીએ આજે મહાકુંભનાં પ્રથમ શાહીસ્નાનમાં 22 લાખ લોકો ઉમટી પડયા હતા. હરિદ્વારમાં હરકી-પૌડી ખાતે ભકતોનો સાગર ઉમટયો હતો. સંતોના સ્નાન માટે સવારે સાત વાગ્યે આ ગંગાઘાટ ખાલી કરાવવામાં આવ્યો હતો અને સવારે 11 વાગ્યે અખાડાનાં સંતોના સ્નાન સાથે વિધીવત રીતે શાહીસ્નાન શરૂ થયુ હતું.
શાહીસ્નાનનો લાભ લઈ સાધુ-સંતો તેમજ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આપને જણાવી દઈએ કે, કુંભની શરુઆત 1 એપ્રિલથી થશે પરંતુ આજથી પ્રથમ શાહી સ્નાન માટે કોરોનાની એસઓપી લાગુ થઈ ગઈ છે. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ રાહુલ ગાંધી સહિતના નેતાઓએ ટ્વીટરના માધ્યમથી મહાશિવરાત્રીના પવિત્ર અવસરની શુભેચ્છાઓ પાઠવી હતી.