આઈપીએલની વધુ એક મેચમાં ધોનીની આગેવાનીવાળી ચેન્નાઈ સુપરકિંગ્સે ફરી એકવાર ક્રિકેટરસીકોને નિરાશ કર્યા છે. દિલ્હી કેપિટલ્સ ટીમના યુવા બેટ્સમેન પૃથ્વી શોના શાનદાર પ્રદર્શન અને અડધી સદી (64) બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-13માં ચેન્નઈ સુપરકિંગ્સ સામે 44 રને વિજય મેળવ્યો છે.
દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારીત 20 ઓવરમાં 3 વિકેટે 175 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ચેન્નઇની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 131 રન જ બનાવી શકી હતી અને ધોનીની ટીમનો કારમો પરાજય થયો હતો.
દિલ્હી તરફથી પૃથ્વી શો ઉપરાંત રીષભ પંતે 37, શિખર ધવને 35 રન બનાવ્યા હતા. જ્યારે ચેન્નાઈ તરફથી ડુપ્લેસીસે 43, કેદાર જાધવે 26 અને ધોનીએ 15 રનની ઈનિંગ રમી હતી. બોલરોના પ્રદર્શનની વાત કરવામાં આવે તો દિલ્હીની ટીમના ફાસ્ટ બોલર રબાડાએ શાનદાર પ્રદર્શન કરતા 26 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જ્યારે નોર્ટિજે 2 વિકેટ લીધી હતી.