11 હજારથી વધુની વસ્તી ધરાવતું આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાનું ધર્મજ ગામ ભારતનું સૌથી ધનિક ગામ તરીકે ગણવામાં આવે છે. કારણકે દેશના ગામડાઓ હજી પણ આર્થિક વિકાસની દોડમાં પાછળ છે તેવામાં ધર્મજ ગામ વિકાસને ઝંખતા ગામડાઓ માટે પ્રેરણારુપ છે. ધર્મજ ગામ જે દેશના અન્ય ગામોથી ભિન્ન છે તેને ગામડાઓનું પેરિસ નામ પણ મળ્યુ છે. નાનકડા ગામમાંથી એક સદી અગાઉ કેટલાક પટેલો યુગાન્ડા અને બ્રિટનમાં સ્થાયી થયા હતા. આજે નાનકડા ગામના 3000 વધુ લોકો વિદેશમાં સ્થાયી થયા છે.
તેઓ વતન પ્રત્યેનું ઋણ અવારનવાર ચૂકવી રહ્યા હોવાથી અન્ય ગામડાંની વાત કરવામાં આવે તો એ નાનાં શહેરો કરતાં સારી સુવિધા ધરાવે છે. માત્ર આર્થિક માપદંડ જ નહીં, આરોગ્ય, શિક્ષણ, ખેતી, સહકાર, લોકભાગીદારી અને સેવા પ્રવૃત્તિને કારણે આ ગામ અન્ય ગામોથી જુદું પડે છે.
આ ગામમાં શહેરો જેવી સુવિધા ઉપલબ્ધ છે. ફાઇવસ્ટાર હોટલ, બાળકો માટે ગાર્ડન, આરસીસી રોડ,સ્વચ્છ ઇમારતો, સ્કૂલ અને આરોગ્યલક્ષી તમામ સુવિધાઓ ધર્મજમાં જોવા મળે છે. દર વર્ષે 12મી જાન્યુઆરીએ ધર્મજ ડે તરીકે ઊજવવામાં આવે છે, જેમાં વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઇ પરિવારો મોટી સંખ્યામાં આવે છે.
ધર્મજ ગામમાં 11 હજારની વસતી વચ્ચે 13 બેંકો આવેલી છે. જેમાં કુલ બેંક ડિપોઝિટ 1300થી 1400 કરોડ રૂપિયાની આસપાસની હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગામમાં સૌ પ્રથમ વર્ષ 1959માં દેના બેંકની પ્રથમ શાખા ખોલવામાં આવી હતી. ત્યારે આજે વિવિધ બેંકોની કુલ 13 બ્રાંચ ગામમાં આવેલી છે.