ભારતના બાર જ્યોર્તિલિંગ પૈકી પ્રથમ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર 19 માર્ચથી કોરોના મહામારી સંકટ લોકડાઉનના કારણે દર્શનાર્થી માટે દર્શન પ્રવેશ બંધી છે.
જોકે તેમ છતાં શ્રદ્ધાળુ ભાવિકો ઓનલાઈન દાન-પૂજા ઈ સંકલ્પથી સોમનાથ મંદિરને 19 લાખથી વધુની આવક ભાવિકોએ ઓનલાઈનથી સોમનાથ દાદાને ચરણે ધરી છે.
લૉકડાઉનમાં વિખ્યાત સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું તેથી ઑનલાઇન દર્શન કરનારાઓની સંખ્યા અનેક ગણી વધી છે. જે લોકો સોમનાથ પ્રત્યક્ષ દર્શને નથી આવી શકતા તેઓ પણ લૉકડાઉનમાં ઘેર બેઠાં પોતપોતાના મોબાઇલ પર સોમનાથ દાદાના ઓનલાઇન દર્શનનો લાભ લઇ રહ્યા છે.
લૉકડાઉનના સમયનો આ રીતે સદુપયોગ કરતા લોકોની સંખ્યા ઘણી વધી છે. દર મહિને નિયમીત સોમનાથ આવતા ભાવિકો પણ દાદાની પૂજાથી વંચિત ન રહે એ માટે સોમનાથ ટ્રસ્ટે ઓનલાઇન ઇ-પૂજા શરૂ કરાવી છે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યાં છે.
તા. 19 માર્ચ 2020થી લઇને 63 દિવસમાં આખી દુનિયાના 45 દેશોમાંથી મહાદેવના 6.31 કરોડથી વધુ ભાવિકોએ ઓનલાઇન દર્શન કર્યાનું સોમનાથ ટ્રસ્ટે જણાવ્યું છે. ઓનલાઇન દર્શન કરનારાઓમાં સૌથી વધુ સંખ્યા ટ્વિટર પર નોંધાઇ છે. જ્યારે સોથી ઓછી સંખ્યા વોટ્સએપની છે.