દેશભરમાં કોરોના વાયરસની મહામારીના કારણે લઈને લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું. જોકે હવે દેશમાં અનલોક સાથે ઘણા નિયમોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે અનલોક-5માં ગુજરાતના સાસણ ગીરમાં આવેલ દેવળીયા સફારી પાર્કને પણ ખુલ્લો મકવામાં આવ્યો છે.
આ સાથે જ જૂનાગઢમાં આવેલું સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય પણ આજથી સહેલાણીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. કોવિડની ગાઇડલાઈન્સ પ્રમાણે જ પ્રાણી ઉદ્યાનોમાં પ્રવેશ આપવામાં આવશે. હાલ ગીર અભયારણ્ય, સાસણગીર અને દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ માટે ઓનલાઇન પરમિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે.
પ્રવાસીઓ વેબસાઇટ પરથી જ પરમિટ બુક કરી શકાશે. પ્રવાસીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખતોવખત બહાર પાડવામાં આવતી માર્ગદર્શિકાઓનું પણ પાલન કરવાનું રહેશે. જે મુજબ 10 વર્ષથી નીચેના અને 65 વર્ષથી ઉપરનાને પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જ્યારે તમામ સહેલાણીઓનું થર્મલ ગનથી ચેકિંગ અને સેનિટાઈઝ બાદ પ્રવેશ આપવામાં આવશે. તો પ્રવાસીઓએ માસ્ક પહેરવુ પણ ફરજિયાત રહેશે. માસ્ક ન પહેરનાર અથવા માસ્ક કાઢનાર પાસેથી દંડ વસૂલવામાં આવશે.