યુવક યુવતીઓની મિત્રતા કે પ્રેમસંબંધોને લઈ કેટલીક એવી ઘટનાઓ સામે આવે છે જેમાં સામાન્ય બાબતમાં હત્યા સુધીની ઘટનાઓ આકાર આમે છે. યુવક યુવતીની મિત્રતા સહજ બાબત છે અને છતાં સંતાનોની મિત્રતાને લઈ કઈ અઘટિત જણાતું હોય ત્યારે માતા-પિતાની જવાબદારી છે કે, તેના સંતાનને અવળે રસ્તે જતાં રોકે. પણ પોતાના સંતાનને અવળે રસ્તે જાતે રોકવાની જગ્યાએ જ્યારે કોઈ ગુનાહિત કૃત્ય આચરી બેસે ત્યારે કાયદામાં તેના માટે કોઈ છટકબારી ન હોઈ શકે. ત્યારે દીકરીની કોઈ યુવક સાથે થયેલી મિત્રતા એક પિતા પચાવી ન શક્યા અને યુવકની હત્યા કરવાની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકામાં 22 વર્ષીય યુવતીની હાર્દિક બારિયા નામના યુવક સાથે મિત્રતા થઈ હતી. યુવતી અને હાર્દિક વચ્ચેની મિત્રતાથી યુવતીના પિતા જેસલ ગઢવી અજાણ હતા. પણ જ્યારે યુવતીના પિતાને તેમની દીકરીની યુવક સાથેની મિત્રતાની જાણ થઈ ત્યારે તેઓએ હાર્દિક બારિયા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. જેસલ ગઢવીએ હાર્દિક પર કરેલા હુમલામાં હાર્દિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. હાર્દિકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પણ જામનગરની ખાનગી હોસ્પિટલમાં હાર્દિકની તબિયતમાં સુધારો ન થતાં હાર્દિકને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાર્દિક એટલો ગંભીર રીતે ઘવાયો હતો કે, રાજકોટની ખાનગી હોસ્પિટલના તબીબો પણ હાર્દિકને બચાવી શક્યા નહોતા.
હાર્દિક પર જેસલ ગડવીએ કરેલા જીવલેણ હુમલા માટે હત્યાના પ્રયાસ હેઠળ આરોપી જેસલ ગઢવી સામે દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પણ સારવાર દરમિયાન હાર્દિકનું મૃત્યુ થતાં હત્યાના પ્રયાસની કલમ હત્યા મુજબના ગુનામાં પરિણમી હતી. આરોપી જેસલ ગઢવી સામે આઈપીસીની કલમ 323,325,352,307, એટ્રોસીટી તથા 302 મુજબની ફરિયાદ અનુસાર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.