ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની બીજા તબક્કાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. આ દરમિયાન અમદાવામાં એક બેઠક પર દેરાણી-જેઠાણી વચ્ચે જંગ જામ્યો હતો. આ જંગમાં દેરાણી વિજેતા થઈ છે, જ્યારે જેઠાણીની હાર થઈ છે.
સામાન્ય રીતે સમાજમાં પણ દેરાણી અને જેઠાણી વચ્ચે ‘વાકયુદ્ધ’ ખેલાતું જ હોય છે પરંતુ અહીં બંને વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાયો હતો. એક જ પરિવારની બે મહિલાને બંને અલગ અલગ પક્ષોએ ટિકિટ આપી હતી. જેમાં દેરાણીને ભારતીય જનતા પાર્ટી અને જેઠાણીને કૉંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી હતી. જેમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. એક જ પરિવારની બે મહિલાઓ અલગ અલગ પાર્ટીમાં ઊભી રહી હોવાથી લોકોને પણ આ ચૂંટણીનું પરિણામ શું આવશે તે જાણવાની રાહ હતી.
મળતી માહિતી પ્રમાણે હાલ અમદાવાદ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે લાંભા વિસ્તારની ગીતા હાઉસ્કૂલ ખાતે મતગણતરી ચાલી રહી છે. જેમાં દસક્રોઈ તાલુકા પંચાયતની 01 અસલાલી બેઠક પર રમીલાબેનની જીત થઈ છે. રમીલાબેન ભારતીય જનતા પાર્ટીની ઉમેદવાર હતા. તેમની સામે ઊભા રહેલા સુશિલાબેન કે જેઓ કૉંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા, તેમની હાર થઈ છે.