કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ પ્રદર્શન સતત ચાલુ છે અને આજે આ મામલે સુપ્રીમ કોર્ટે સતત બીજા દિવસે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે, ખેડૂતોને આંદોલનનો હક છે પરંતુ તમે કોઈ શહેરને આ રીતે બંધ કરી શકો નહીં. કોર્ટે જણાવ્યું કે, અમે પ્રદર્શનના અધિકારમાં કાપ ન મૂકી શકીએ. કોર્ટે કહ્યું કે પ્રદર્શનનો અંત થવો જરૂરી છે. અમે પ્રદર્શનના વિરોધમાં નથી પરંતુ વાતચીત પણ થવી જોઈએ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેએ સુનાવણી દરમિયાન કહ્યું કે અમે ખેડૂતોને પ્રદર્શન કરતા રોકી શકીએ નહીં.
પરંતુ પ્રદર્શનનો એક હેતુ હોય છે. પ્રદર્શનકારી ખેડૂતો અંગે ટિપ્પણી કરતા તેમણે જણાવ્યું કે, તમે ફક્ત ધરણા પર ન બેસી શકો. વાતચીત પણ કરવી જોઈએ અને વાતચીત માટે આગળ આવવું જોઈએ. મહત્વનું છે કે, કૃષિ કાયદાને લઈને ખેડૂતો છેલ્લા 21 દિવસથી આંદોલન પર ઉતરી ગયા છે.
ખેડૂતોની આ આંદોલન અને તેમની માંગ હજી સુધી ના સંતોષાતા ગત રોજ દિલ્હી-હરિયાણા બોર્ડર (સિંધુ બોર્ડર) પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સામેલ સંત બાબા રામ સિંહે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી સાથે જ તેમણે એક સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેમણે લખ્યુ હતું કે, હવે મારાથી ખેડૂતોનું દર્દ જોઇ શકાતું નથી. ખેડૂતોના સમર્થનમાં સંત રામ સિંહે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચ્યો હતો.