વડોદરા શહેરના તરસાલી બાયપાસ પાસેની ધન્યાવી ચોકડી ખાતે વડોદરા કોર્પોરેશન દ્વારા આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા કોર્પોરેશને 12 મીટર ડીપી રસ્તાની કામગીરી માટે 39 પાકા મકાનો સહિતના યુનિટો તોડી પાડી રસ્તો ખુલ્લો કર્યો હતો.તો બીજી તરફ કેટલાક દબાણ યથાવત્ રહેતાં વહાલા દવલાની નીતિના આક્ષેપ સામે આવ્યા હતા. વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ આજે ધન્યાવી ચોકડી પાસે ત્રાટકી હતી.અને 12 મીટર રસ્તા રેષા માટે ડીપીમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.
અગાઉ વડોદરા કોર્પોરેશન તરફથી સ્થાનિક રહીશોને સ્વેચ્છાએ દબાણો ખાલી કરવા નોટિસ પાઠવી હતી.આ દરમિયાન કેટલીક વ્યક્તિએ સ્વેચ્છાએ પોતાના મકાનો ખાલી કર્યા હતા.દરમિયાન દબાણ શાખાની ટીમે ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી.આ દરમિયાન દુકાનો,મકાનો, કમ્પાઉન્ડ વોલ ગોડાઉન સહિતના 39 જેટલા પાકા યુનિટો તોડી પાડવામાં આવ્યા હતા.આ દરમિયાન કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ચકમક ઝરી હતી.ખાસ કરીને કેટલાક દબાણ યથાવત્ રહેતાં વહાલા-દવલાની નીતિ ના આક્ષેપ થયા હતા.જે અંગે દબાણ અધિકારીએ જણાવ્યું હતું કે બીજા તબક્કામાં બાકીના દબાણો આવરી લઇ ડિમોલિશનની કામગીરી હાથ ધરાશે.