હવામાન વિભાગના કહેવા પ્રમાણે વરસાદી સિસ્ટમ હજુ સક્રિય હોવાથી દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળશે. જોકે, ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. આ વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે. શનિવારથી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. આંકડાઓ તપાસમાં આવે તો આ વર્ષે અત્યાર સુધી રાજ્યમાં 87 ટકા વરસાદ પડી ચુક્યો છે. રાજ્યમાં ચોમાસાને વિદાયના હજી 45 દિવસ બાકી છે ત્યારે આ વર્ષે રાજ્યમાં 100 ટકા વરસાદ પડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત બાદ રાજ્યમાં તબક્કાવાર દરેક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે.
બનાસકાંઠામાં વરસાદના બીજા રાઉન્ડમાં ડીસા તાલુકાના ભિલડી ગામે વરસાદી પાણી ભરાયા હતા. ડીસાની ઉમિયા સોસાયટી અને પંચવટી સોસાયટીમાં પાણી ભરાયા હતા. રહીશોના જણાવ્યા પ્રમાણે વરસાદ દરમિયાન છેલ્લા ચાર-પાંચ વર્ષથી પાણી ભરાતું હોવા છતાં તંત્ર તરફથી કોઈ પગલાં ભરવામાં નથી આવતા. પાણીને કારણે રહીશોએ હાલાકીને સામનો કરવો પડી રહ્યો છે.