ગીર પંથકમાં જંગલી પ્રાણીઓનો ત્રાસ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારમાં અવારનવાર પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં ઘુસી જતા હોય છે અને લોકો પર હુમલાઓ કરતા હોય છે. ત્યારે બુધવારે રાત્રે ગીર સોમનાથ જીલ્લાના કોડીનારના એભલવડ ગામે રહેતા લાભુબેન લાખાભાઇ ખસિયા પોતાના ઘરની ઓરડીમાં સૂતા હતા ત્યારે અચાનક આવી ચડેલા દીપડાએ તેમના પર હુમલો કરી દીધો હતો અને જંગલ તરફ ઉઠાવી લઇ ગયો હતો અને તેમને ફાડી ખાધા હતા.
વહેલી સવારે ગ્રામજનોને જાણ થતા શોધખોળ હાથ ધરી હતી. બાદમાં ગામની બહાર ઝાડીમાંથી લાભુબેનનો અડધી ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા વન વિભાગના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને વૃદ્ધાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે વનવિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને ગણતરીની કલાકોમાં પાંજરે પૂરી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો.