હાલમાં જ રાજ્ય સરકારે તમામ સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલમાં જરુરી મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ તેમજ બેડ, દવાઓ, વેન્ટિલેટર, ઓક્સિજન સપ્લાય સહિતની સુવિધા પૂરતા પ્રમાણમાં હોવાની વાત કહી હતી. જ્યારે એક-દોઢ મહિના પહેલા રાજ્યને મેડિકલ ઓક્સિજનની તાતી જરુરીયાત હતી જેણે રાજ્ય સરકારને કોવિડ-19ના દર્દીઓ માટે ઓક્સિજનનો જથ્થો સુવ્યવસ્થિત કરવા માટે પ્રેરિત કર્યા હતા.
જોકે હાલના સમયમાં ઓક્સિજનની માંગમાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યુ છે. 7 ઓક્ટોબરે 209 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનનો ઉપયોગ થયો હતો, જે આંકડો 12 ઓક્ટોબરે ઘટીને 168 મેટ્રિક ટન પર પહોંચી ગયો છે. જ્યારે 21 સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો તે સમયે પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે 240 મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજનની જરુરીયાત ઉભી થઈ હતી.
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા એક મહિનામાં મેડિકલ ઓક્સિજનની આ સૌથી ઓછી દૈનિક માંગ છે. જ્યાં સરેરાશ દૈનિક માંગ આશરે 200 મેટ્રિક ટન છે. મહત્વનું છે કે, ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા 14 ઓક્ટોબર સાંજ સુધીના આંકડા મુજબ 1 લાખ 55 હજારની ઉપર પહોંચી ગઈ છે. જેમાંથી રાજ્યમાં 14959 એક્ટિવ કેસ છે. કોરોનાના ગંભીર દર્દીઓ માટે ઓક્સિજન મહત્વપૂર્ણ છે કારણકે તે દવા જેટલો અસરકારક સાબિત થઈ રહ્યો છે.