બનાસકાંઠામાં બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા તાલુકામાં ચાલુ વર્ષે બટાકાના વાવેતરમાં ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે. બનાસકાંઠામાં ડીસાની ઓળખ એટલે બટાકાનગરી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ડીસાની ઓળખ સમા આ બટાકા જ લોકોને રાતા પાણીએ રડાવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી સતત બટાટામાં મંદિના કારણે અનેક લોકો પાયમાલ બન્યા છે. ડીસાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને કમોસમી વરસાદ પડતા ખેડૂતોનું બટાકાનું બિયારણ પલળી ફૂગ વળી જતાં બિયારણ ફેલ ગયું છે. માત્ર ડીસામાં જ 6.5 લાખ કટ્ટા પલળી જતાં પારાવાર નુકસાન વેઠવું પડ્યું છે. જિલ્લામાં ગત વર્ષે 68,143 હેકટરમાં બટાકાનું વાવેતર કરાતા 20,23,847 મેટ્રિક ટન બટાકાનું ઉત્પાદન થયું હતું. બનાસકાંઠા જિલ્લાના બટાકાના ખેડૂતો શરદ પૂર્ણિમાએ બટાકાના વાવેતરની શરૂઆત કરતા હોય છે પરંતુ આ વર્ષે વાતાવરણને લઈ ખેડૂતોએ વાવણી મોડી શરૂઆત કરી લાભ પાંચમના દિવસે બટાકાની વાવણીના શ્રીગણેશ કર્યા હતા. જોકે અપર એર સાયકલોનીક અસરના પગલે ડીસામાં કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોના બટાકાનું બિયારણ બગડી ગયું છે. કેટલાક બિયારણમાં ફૂગ આવી જતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. સતત ચાર વર્ષથી ખેડૂતોને બટાકાના ભાવ ન મળતાં ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાયા છે, જેથી ખેડૂતો હાલ રાજગરો અને જીરું જેવા પાકો તરફ વળ્યા છે..