ગુજરાતની શાન ગણાતા સિંહની સુરક્ષાને લઈ વધુ એક વખત સવાલ ઉઠવા લાગ્યા છે. સરકારના વન વિભાગ દ્વારા સિંહોની યોગ્ય જાળવણી ન કરવામાં આવતી હોવાની તેમજ લાલીયાવાડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી સિંહોના થતા મોતના મામલાને લઈ સાચુ કારણ છુપાવવામાં આવતુ હોવાના આક્ષેપો થઈ રહ્યા હતા ત્યારે હવે આ મામલે હાઈકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગીરના સિંહોનાં મોતના સાચાં કારણો જાહેર ન કરાતા હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં જૂનાગઢ માળિયા હાટીનાના ખેડૂત વરજંગ કારમતાએ જાહેરહિતની અરજી કરી છે. અરજીમાં જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષમાં સિંહોના મૃત્યુનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધ્યું છે,જે ચિંતાનો વિષય છે.
જોકે, આ મામલે વન વિભાગ અને વન અધિકારીઓની લાલીયાવાડી આંખે ઉડીને વળગે છે. કારણ કે મૃત્યુ પામનારા સિંહના પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પહેલાં જ મોટા ભાગના કિસ્સામાં સિંહોની આંતરિક લડાઈ અથવા કોઈક માંદગીના કારણે મૃત્યુ થયાના એકસરખાં કારણો આપી દેવામાં આવે છે. જેને લઈ આશંકા છે કે, વન અધિકારીઓ સિંહના મૃત્યુના સાચાં કારણો છૂપાવી રહ્યાં છે.
અરજીમાં જણાવાયું છે કે, તાજેતરમાં જ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડી. ટી. વસાવડાએ દાવો કર્યો હતો કે, ગીરના સિંહોમાં કોઈ જ રોગ નથી કે સીડીવી પ્રકારનો કોઈ વાઇરસનો ચેપ લાગ્યો નથી. જો સિંહોને વાઇરસનો ચેપ લાગ્યો જ ન હોવાનો દાવો કરતા હોય તો શા માટે અમેરિકાથી સીડીવી રસીના 1 હજાર ડોઝ મંગાવવામાં આવ્યા. જે અંગે વન વિભાગને સ્પષ્ટતા કરવા હાઈકોર્ટ પાસે દાદ માગવામાં આવી છે. અરજીમાં જણાવ્યા મુજબ, ગીરના સિંહો માટે વાયરસથી બચવા જે રસી અપાય છે તે રસી અમેરિકામાં નોળિયા અને જંગલી ખિસકોલીને આપવામાં આવે છે. સાથે જ પ્રશ્ન કરાયો છે કે આ રસીનું કલીનીકલ ટ્રાયલ સિંહો પર કરવામાં આવ્યું ન હોય તો તેવી રસી ગીરના સિંહો માટે શા માટે આયાત કરવામાં આવી રહી છે? સિંહોને વાયરસ ન હોય તો અમેરિકાથી મંગાવેલી આ 1 હજાર રસીનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે? વન વિભાગ પાસે આ અંગે પણ ખુલાસો રજુ કરવા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલ અરજીમાં જણાવાયું છે.