અમદાવાદ સહિત ગુજરાતભરમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યા રાજ્યમાં નોંધાયેલા કેસોમાં સૌથી વધુ છે. ત્યારે આ કોરોના મહામારીમાં સામાન્ય લોકોની સાથે સાથે કોર્પોરેટર અને ધારાસભ્યો તેમજ અધિકારીઓ પણ સપડાયા છે. તેવામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અગ્રણીનું કોરોનાથી નિધન થયું છે.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતા બાબુજી ખોડાજી ઠાકોરનું કોરોનાથી નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સાબરમતી તાલુકા મીડિયા સેલ કન્વીનર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસથી તેમનામાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ જોવા મળતાં 14 જૂનના રોજ તેમને શહેરના ચાંદખેડા સ્થિત એસએમએસ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. જ્યાં 16 જૂનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી.
(FILE PIC)
આ દરમિયાન છેલ્લા 6 દિવસથી તેઓ વેન્ટિલેટર પર હતા. ત્યારે ગત રોજ તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોરોનાના સંક્રમણને જોતા બાબુજી ખોડાજી ઠાકોરના પરિવારે તેમના પાર્થિવદેહને હોસ્પિટલથી સીધા સાબરમતીના અચેર ગામમાં આવેલ સ્મશાન ઘાટમાં અંતિમક્રિયા માટે લઈ ગયા હતા. જ્યાં તેમના પાર્થિવદેહને પરિવારના નજીકના સભ્યો તેમજ સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી અંતિમવિદાય આપી હતી.
આ અંગે ઠાકોર સેનાના પ્રમુખ તેમજ ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પણ દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે આ અંગે ફેસબુક પર પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ઉપરાંત એક વિડિયો સંદેશ મારફતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સાબરમતી તાલુકા મીડિયા સેલ કન્વીનર બાબુજી ઠાકોરના નિધન અંગે દુખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાથે જ સમાજના લોકો તેમજ જનતાને કોરોના મહામારીને ગંભીરતાથી લેવા માટે પણ જણાવ્યુ હતું અને સાવચેતી રાખવા અપીલ કરી હતી.