તમિલનાડુના તૂતીકોરિન જિલ્લાના સથનકુલમ ગામમાં વેપારી પિતા-પુત્રની કથિત રીતે પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું. આ ઘટના 19 જૂનના રોજ બની હતી. જોકે, આ ઘટના સંદર્ભે સોશિયલ મીડિયા પર લોકોએ આ મામલે તમિલનાડુ પોલીસની બર્બરતા સામે ઉગ્ર વિરોધ નોંધાવતા આ મામલો પ્રકાશમાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, તમિલનાડુમાં પોલીસ કસ્ટડીમાં પિતા-પુત્ર (જયરાજ અને ફેનિક્સ)ના મોત બાદ રાજ્યભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તૂતીકોરિનમાં મોબાઈલ ફોનની દુકાન ધરાવતા પિતા-પુત્રની પોલીસે દુકાનને મંજૂરી કરતા વધુ સમય સુધી ખુલ્લી રાખવાને લઈ ધરપકડ કરી હતી. જેમનું પોલીસ કસ્ટડીમાં મોત નિપજ્યું હતું.
મૃતક-પિતા પુત્રના પરિવારે જેલની અંદર પોલીસની દમનગીરીનો આરોપ લગાવ્યો છે. આ ઘટના સંદર્ભે જયરાજની પત્ની સેલ્વારાનીએ આરોપ લગાવ્યો છે કે પોલીસે ક્રૂરતાપૂર્વક વર્તન કરતા તેમના પતિ અને પુત્રનું કસ્ટડીમાં મોત નિપજ્યુ છે. આ મામલે તમિલનાડુમાં વેપારીઓએ બંધનું એલાન પણ જાહેર કર્યુ હતું.
મહત્વનું છે કે, 19 જૂનના રોજ બનેલી આ ઘટનાને લઈ સોશિયલ મીડિયા પર #JusticeForJeyarajAndFenix હેશટેગ સાથે ટ્વિટર યુઝર્સ પણ ન્યાયની માંગ કરી રહ્યા છે તો સાથે સાથે તેમના પરિવારને સાંત્વના પણ પાઠવી રહ્યા છે.
આ સંદર્ભે સામાન્ય જનતાની સાથે સાથે જાણીતી હસ્તીઓએ પણ ટ્વિટ કર્યા હતા. આ અંગે હંસિકા મોટવાનીએ પણ ટ્વિટ કરી પોલીસકર્મીઓ પર નિશાન સાધ્યુ હતું. આ ઉપરાંત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે ટ્વીટ કરી યોગ્ય તપાસની માંગ કરી હતી.