આપણે સૌ જાણીએ છીએ એમ કે સામાન્ય રીતે જંગલ કુદરતી હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ગુજરાતના મહેસાણામાં મેન મેઈડજંગલ છે. આ જંગલ ખુબ વિશાળ તો નથી પરંતુ નાનું પણ નથી. આ જંગલની ખાસિયત વિષે વાત કરીએ તો માત્ર એક વ્યક્તિની મહેનતે આ જંગલ વિકસ્યું છે. જ્યાં હજારો પ્રાણીઓ અને પક્ષીઓ તો છે. પરંતુ તેની સાથે-સાથે કુદરતી નજારાને માણવા લોકો જંગલ સફારી માટે પણ અહીં દોડી આવે છે.
મહેસાણાના જીતુભાઈ પટેલ એક એવા પ્રકૃતિ પ્રેમી જેણે 1 ટકો વન ધરાવતા મહેસાણામાં 500 વિઘા જમીનમાં મેન મેઈડ જંગલ ઉભું કર્યું છે. હાલના સમયમાં લોકો જંગલો કાપી રહ્યા છે. જંગલોને ખતમ કરી રહ્યા છે. તેવા સમયમાં આ વ્યક્તિએ જાત મહેનતે સાબરમતીના કાંઠે એક આખું જંગલ ઉભું કરી દીધું છે. જે જંગલમાં ખુદ 2.5 લાખ વૃક્ષો વાવ્યા પણ છે અને ઉછેર પણ કર્યો છે. જીતુભાઈએ અહીં ન માત્ર મોજ-શોખ માટે પરંતુ હજારો પશુ-પક્ષી અને જંગલી પ્રાણીઓને નવજીવન આપવા માટે આ જંગલ બનાવ્યું છે. એટલું જ નહીં લોકો જંગલનું મહત્વ સમજે તે માટે કોતરોની વચ્ચે ઉબળ-ખાબળ રસ્તાઓ પર જંગલ સફારી પણ શરૂ કરી છે.
આ મેન મેઈડ જંગલ ખાસ એટલા માટે છે કે, અહીં જીતુભાઈએ જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ માટે 10 જેટલા ચેકડેમ બનાવ્યા છે. જ્યારે પણ પાણી ખુટે એટલે ટ્યૂબવેલની મદદથી તે ચેકડેમમાં પાણી ભરી દે છે. જેથી આ 500 વીઘામાં ફેલાયેલા જંગલમાં રહેતા હરણ, અજગર, ઝરખ, સહિતના પ્રાણીઓ અને પક્ષીઓને પુરતું પાણી મળી રહે. ચેકડેમના કાંઠે વનરાજી પણ લીલીછમ ખીલી રહે.
જીતુભાઈ પટેલ વિસનગરના જાણીતા ઉદ્યોગપતિ છે. પરંતુ પ્રકૃતિ ઉપર વિશેષ પ્રેમ હોવાથી તેઓ વર્ષોથી પ્રકૃતિના સંવર્ધન અને સંરક્ષણનું કામ કરી રહ્યા છે. તેમના આ પ્રકૃતિ પ્રેમને જોતા રાજ્ય સરકાર દ્વારા ગ્રીન એમ્બેસેડર તરીકે પણ નિમણૂંક કરવામાં આવી છે. એવું કહી શકાય કે, દેશનું પ્રથમ ઓક્સિજન પાર્ક શરૂ કરવાનો શ્રેય જીતુભાઈના ફાળે જાય છે. જીતુભાઈના મતે આપણે ત્યારે જ આ પૃથ્વી પર જીવી શકીશું જ્યારે આપણે કુદરત સાથે પણ બેલેન્સ રાખીશું. એટલે કે, જંગલો જ કાપી નાખીશું તો માનવતા પણ ભૂસાતા વાર નહીં લાગે. જીતુભાઈ ઈચ્છે તો અહીં ખેતીલાયક જમીન બનાવી શક્યા હોત. પરંતુ તેમણે અહીં કુદરતને જીવાડવાનું કામ કર્યું છે.