જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખંભાળીયા ગામે ડ્રેગન ફ્રૂટની ગજબ ખેતી થઈ રહી છે. બાગાયતી ખેતીમાં આ સાથે જ ખેડૂતો સફળ ઉત્પાદન મેળવીને સારી એવી કમાણી પણ કરી રહ્યા છે. ડ્રેગન ફ્રૂટની ખેતી ખેડૂતોને વીઘે 2 થી 3 લાખની સારી એવી કમાણી કરાવી આપે છે અને તેની સાથે બીજા પાકો પણ લઈ શકાય છે. આમ અનેક પોષક તત્વોથી ભરપુર ડ્રેગન ફ્રૂટ તંદુરસ્તી માટે તો ફાયદાકારક છે. સાથો સાથ ખેડૂતો માટે પણ ફાયદાકારક ખેતી સાબિત થઈ રહી છે.ત્યારે જુનાગઢ જિલ્લાના ખંભાળિયા ગામના કરશનભાઈ દુધાત્રા નામના ખેડૂત 8 વર્ષ અગાઉ અમેરીકા તેમના પુત્ર ચેતન પાસે ફરવા માટે ગયા હતા. જ્યાં તેમણે ડ્રેગન ફ્રૂટ ખાધું અને તેમને આ ફળ વિશે જાણવાની પ્રેરણા મળી.
તેમણે આ અંગે જાણકારી મેળવી અને અમેરીકામાં ખાધેલાં ડ્રેગન ફ્રૂટનું ભારતમાં પણ સફળ ઉત્પાદન કરી શકાય તેવી સંભાવના જણાતાં તેમણે બિયારણ મેળવ્યુ અને જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખંભાળીયા ગામે પોતાના ખેતરમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું. કરશનભાઈના ખેતરમાં 12 વિઘામાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર છે જેમાં અંદાજે 2200 ઝાડ છે.ડ્રેગન ફ્રૂટની ખેતી વિશે વાત કરીએ તો તે ઓછા પાણીએ નફાકારક ખેતી છે. જેમાં એકવાર વાવેતર કરીને 30 વર્ષ સુધી ફળ મેળવી શકાય છે. ડ્રેગન ફ્રૂટ થોરની જાત હોય કોઈપણ પ્રકારની જમીનમાં સરળતાથી ઉગી શકે છે. વાવેતર કર્યાના દોઢ વર્ષ પછી તેમાં ઉત્પાદન મળવાનું શરૂ થાય છે. સામાન્ય રીતે તેનુ જૂન જૂલાઈ મહિનામાં એટલે કે ચોમાસા દરમિયાન વાવેતર કરવામાં આવે તો તેનો ઝડપથી વિકાસ થાય છે. વાવેતર કર્યાના એક થી દોઢ વર્ષ પછી જ્યારે તેમાં ઉત્પાદન મળવાનું શરૂ થાય છે ત્યારે છ મહિના સુધી તેમાં ફાલ આવે છે અને છ મહિના ખાલી જાય છે આમ અંદાજે જૂન મહિનાથી શરૂ કરીને નવેમ્બર સુધી તેમાં ફળો આવે છે. સાવ ઓછી સિંચાઈથી થતી આ ખેતીમાં સમય જતાં ઉત્પાદનમાં વધારો થતો જાય છે.
ડ્રેગન ફ્રૂટના છોડની ડાળીઓ હોય છે તેમાં પહેલાં ફુલ આવે છે બાદમાં તેમાં ફળ બંધાય છે જેનો રંગ લીલો હોય છે. ત્યારબાદ ફળ પરિપક્વ થતાં તેનો રંગ લાલ થઈ જાય છે. ફળ સંપૂર્ણ પાકી ગયાના એક અઠવાડીયામાં તેનો ઉતારો કરી લેવો પડે છે. જો એમ કરવામાં ન આવે તો ફળમાં જીવાત થવાની સંભાવના રહે છે. ઉતારો કર્યા પછી ફળને તડકો ન લાગે તે રીતે છાંયળામાં એક અઠવાડીયા સુધી રાખી શકાય છે તેથી ઉતારા બાદ તેની જાળવણી અંગે કોઈ ચિંતા રહેતી નથી. ફળને કોલ્ડ સ્ટોરેજમાં બે મહિના સુધી સાચવી શકાય છે. આમ અન્ય બાગાયતી પાકોની સરખામણીમાં ડ્રેગન ફ્રૂટના ઉતારા પછી તેની જાળવણી માટે ખાસ કોઈ તકેદારી કે ખર્ચ કરવો પડતો નથી જે ખર્ચ ઘટાડાની સારી બાબત ગણી શકાય.
ડ્રેગન ફ્રૂટ વિટામીન સી, ફાઈબર જેવા અનેક પોષક તત્વોથી ભરપુર હોવાથી તે ઈમ્યુનિટિમાં વધારો કરે છે. લોહીમાં રક્તકણો અને શ્વેતકણોની માત્રા જાળવી રાખે છે, અનેક રોગો સામે રક્ષણ આપે છે. ડાયાબિટીસ, કેલેસ્ટ્રોલ, કેન્સર, ડેન્ગ્યુ, એઈડ્સ જેવા રોગોમાં આ ફળ ખાવાથી ફાયદો થાય છે.