જૂનાગઢ મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં જે પાણી લોકોના ઘરે આવે છે તે અચાનક અશુદ્ધ આવવા લાગ્યું છે. જેને કારણે શહેરીજનો આ પાણીને ઉકાળીને પીવા મજબૂર બન્યા છે.
પ્રાપ્ત સમાચાર મુજબ, જૂનાગઢ મહાનગર પાલિકાએ અશુદ્ધ પાણીનું વિતરણ કરતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. શહેરીજનોએ જણાવ્યુ હતુ કે ફિલ્ટર પ્લાન્ટ હોવા છતા અશુદ્ધ પાણી આપવામાં આવી રહ્યું છે. લોકોએ જણાવ્યું હતું કે રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ પડી રહ્યો છે મોટા ભાગના ડેમોમાં પાણીની નોંધપાત્ર આવક થઇ રહી છે અને ડેમો છલકાઈ રહ્યા હોવા છતા પાણીનો કાપ યથાવત રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે દુષિત પાણીથી રોગચાળાનું પ્રમાણ વધી જતું હોય છે. ત્યારે મહાનગર પાલિકાના સત્તાધીશો દુષિત પાણીનું વિતરણ કરીને જનતાના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. જણાવી દઈએ કે જુનાગઢ શહેરના ભાજપના કોર્પોરેટરના ઘરમાં પણ દુષિત પાણીનું વિતરણ થઇ રહ્યું હોવાથી લોકોને આશા છે કે જલ્દીથી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.