દીવડાક લોનીથી લુણાવાડા માર્ગ વચ્ચે આવેલા સુકા વૃક્ષો કાપવામાં તંત્રની ઉદાસીનતા દાખવી રહી છે. નવો માર્ગ બન્યા બાદ 900 જેટલા લીલાછમ વૃક્ષો કટિંગ માટે મંજુરી માંગવામાં આવી છે. પરંતુ સુકા ભેગું લીલું બળવાના ઈરાદે ખરેખર જોખમી સુકા વૃક્ષોનું નિકંદન પણ ચોમાસુ આવવા છતાં ખોરંભે પાડવામાં આવી રહ્યું હોવાની શંકાઓ સ્પષ્ટ જોવા મળી રહી હતી. લુણાવાડા અને કડાણા તાલુકા સાથે જોડતા માર્ગનું એક વર્ષ અગાઉ નવીનીકરણ કરી પહોળો કરવામાં આવ્યો હતો.
જેમાં લુણાવાડાથી મલેકપુર સુધીના માર્ગની બન્ને બાજુ આવેલ 1000 જેટલા ઘટાદાર અને લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું હતું. જ્યારે મલેકપુરથી દીવડા કોલોની સુધી આવતા રસ્તાની બન્ને બાજુએ આવેલા 900 ઉપરાંત વૃક્ષો કટિંગ માટે તંત્ર દ્વારા મંજુરી માગવામાં આવી છે. જેમા માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગના સંકલનના અભાવે આ કામગીરી ખોરંભે પડી હોવાનું જોવા મળી રહ્યુ છે.

પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ માર્ગની બન્ને બાજુ જે વૃક્ષો સુકા અને અકસ્માત સર્જે તેવા છે. તેમને પણ તંત્ર દ્વારા દુર કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે.આ માર્ગ પર મલેકપુરથી સંઘરી વચ્ચે આવેલા 50 જેટલા સૂકા વૃક્ષોને કારણે ભુતકાળમાં ઘણા અકસ્માતો સર્જાય ચુક્યા છે. જેમા વાહન ચાલકોને ગંભીર ઈજાઓ તથા મૃત્યુ પણ પામ્યા છે. ઘણા વાહનોને મોટું નુકસાન થયું હતું.ત્યારે આગામી દિવસોમાં ચોમાસુ આવી રહ્યું છે ત્યારે ભારે પવન તથા વાવાઝોડામા આ સુકા અને જોખમી વૃક્ષો ગમે ત્યારે તુટીપડેતો વાહન અને વાહન ચાલકો માટે અકસ્માત સર્જી શકે છે. ત્યારે સુકા ભેગું લીલું બાળવાની નીતિમાં ખોરંભે પાડેલી કામગીરીને બંને વિભાગ દ્વારા સંકલનમા રહી સૌ પ્રથમ આ સુકા જોખમી વૃક્ષોનું ચોમાસા અગાઉ દુર કરવામાં આવે તેવી માંગ પ્રજામાં ઉઠવા પામી હતી.