અમીરગઢમાં હિંસક હુમલાનો વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. આદિવાસી યુવતીના આપઘાતનો બદલો લેવા હુમલો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. અમીરગઢના રબારીયા ગામમાં મંગળવારે ઝાડ ઉપર ફાંસો ખાઈ એક યુવતીએ આપઘાત કરી લીધો હતો. જોકે, પરિવારનો આરોપ છે કે, આ યુવતીને મારી નાંખ્યા બાદ લટકાવી દીધી હતી. આ યુવતીના મોતનો બદલો લેવા માટે આ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં લોકોના મકાનમાં તોડફોડ અને આગચંપી પણ કરવામાં આવતા ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ હતો પરંતુ હાલ ગામમાં શાંતિ છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે પરિવારજનો તેના મૃતદેહને રબારીયા ગામે તેના એક શંકાસ્પદ મિત્ર યુવકના ઘર આગળ લઈ ગયા હતા.
જ્યાં ઘરમાં તોડફોડ કરી હતી અને આગચંપી કરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ સાથે અન્ચ મકાનોમાં પણ નુકસાન કરવામાં આવ્યું હતુ. જે બાદ યુવતીના મૃતદેહની અંતિમ વિધિ કરાઈ હતી.અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રખાયેલા તેના મૃતદેહને લઈને પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકોનું ટોળું ગુરુવારે ગામ ગરાસીયા પુરા ગયા હતા. જે બાદ ચડોતરૂ કરાયું હતું. જેમણે આખા ગરાસિયાપુરા ગામમાં હિંસક પ્રવૃત્તિઓ કરી હતી. જેના કારણે ગભરાઇને કેટલાક લોકો ગામ છોડીને પણ ભાગી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાંએ મકાનો સહિત ઘરમાં પડેલા સાધન સામગ્રીની તોડફોડ કરી મોટું નુકસાન કર્યું હતું. તેમજ વાહનો સહિત મકાનોને ટાર્ગેટ બનાવી માલ સમાનને આગ ચાંપવામાં આવી હતી.