આગામી સમયમાં વિવિધ ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે વિવિધ ચૂ્ંટણીઓમાં પક્ષને જીતાડવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખે કમરકસી છે. 2022ની વિધાનસભા ચૂંટણી તથા આગામી પેટાચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર બાદ હવે ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે જશે.
સીઆર પાટીલ 3થી 5 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાતની મુલાકાતે છે. આગામી સપ્તાહે ભાદરવી પૂનમ પછીના બીજા જ દિવસે 3જી સપ્ટેમ્બરને ગુરૂવારથી તેઓ ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓમાં યાત્રાની શરૂઆત કરશે.
તો બીજીબાજુ વિવિધ ચૂંટણીઓમાં જીત મેળવવા માટે ગુજરાત ભાજપે જીતના લક્ષ્યાંક સાથે ભાજપે નવી રણનીતિ અપનાવી છે. કમલમ ખાતે ભાજપના હારેલા ધારાસભ્યોની બેઠક યોજાશે. વર્ષ 2007, 2012 , 2017 વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ધારાસભ્યોની પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં બુધવારે એક બેઠક મળશે.. કમલમ પર યોજાનારી આ બેઠકમાં ભૂષણ ભટ્ટ, દિલીપ સંઘાણી, જગરૂપસિંહ રાજપૂત, શંકર ચૌધરી, આત્મારામ પરમાર, રમણલાલ વોરા સહિત 30 પૂર્વ ધારાસભ્યો હાજર રહે તેવી સંભાવના છે.