જિલ્લા કલેક્ટર દ્વારા જુલાઈ 2021માં રેલવે પૂર્વ વિસ્તારનાં બે કિલોમીટરના એરિયાને કોલેરા ગ્રસ્ત જાહેર કરીને કોલેરાને અંકુશમાં લેવા અસરકારક પગલાં લેવા તંત્રને આદેશો આપવામાં આવ્યાં હતાં. તો કલોલ નગરપાલિકા તંત્ર દ્વારા અહીંના વિસ્તારમાં પાણીની પુરવઠો બંધ કરી દઈ ટેન્કરો મારફતે પીવાનું પાણી પહોંચતું કરવામાં આવ્યું હતું. જે પાણીના બીલો પેટે 31.10 લાખનું ચુકવણું પણ કરી દેવાયું હતું.બીજી તરફ આરટીઆઇ એક્ટિવીસ્ટ કાનજીભાઈ વાઘેલાએ કલોલ નગરપાલિકા તંત્ર પાસે આરટીઆઇ હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જેનાં પગલે નગરપાલિકા તંત્રએ પાણી પુરવઠો પૂરો પાડવામાં માટે દોડાવવામાં આવેલા વાહનોના નંબરો સાથે પ્રત્યુત્તર આપ્યો હતો. ત્યારે એ વાહનોના નંબરની ખરાઈ કરવા ફરીવાર કાનજીભાઈ વાઘેલાએ આરટીઓ કચેરીમાં માહિતી અધિકાર હેઠળ માહિતી માંગી હતી.
જેનાં જવાબમાં બહાર આવ્યું હતું કે, કલોલ નગરપાલિકા તંત્રએ જે વાહનોને પાણીના ટેન્કરો દર્શાવીને બીલો ચૂકવી દીધા છે. એ વાસ્તવમાં બાઈક, કાર, ઈન્ડિકા, આઈસર વાહનોના નંબરો છે. આમ કલોલ નગરપાલિકા તંત્રએ કોલેરાનાં રોગ દરમિયાન પાણીના ટેન્કરોની જગ્યાએ અન્ય વાહનોને રૂ. 31.10 લાખનું ચુકવણું કરી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું.આ મામલે આઇટીઆઈ એક્ટિવીસ્ટ કાનજીભાઈ વાઘેલાએ કલોલ નગરપાલિકા તંત્રની તિજોરીને લાખોનું આર્થીક પહોંચાડનાર જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે ફોજદારી રાહે ગુનો દાખલ કરવા માટે જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ કરાઈ છે. ઉપરાંત આ સમગ્ર કૌભાંડની વિગતો પુરાવા સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી, રાજ્ય મુખ્યમંત્રી સુધી પણ ફરિયાદ કરવામાં આવી છે.