એક સમયે ગુજરાતે કોરોનાના સંક્રમણમાં કિલ્લેબંધી કરી હોય તેવા સંકેત હતા. પરંતુ જે રીતે અમદાવાદ, સુરત અને વડોદરામાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે તે જોતા ગુજરાતમાં હવે સ્થિતિ ચિંતાજનક બની છે. તેમાંય અમદાવાદમાં તો કોરોનાએ ઉધઈની જેમ અમદાવાદને ભરડામાં લીધુ હોય તેમ લાગી રહ્યું છે.
હાલમાં જ જમાલપુરમાં ચાર જથ્થાબંધ વેપારીઓનો કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. આ જથ્થાબંધ વેપારીઓ દિવસમાં અનેક લોકોના સંપર્કમાં આવ્યા હોઈ શકે છે અને તેમના સંપર્કમાં આવનારા લોકો અન્ય હજારો લોકોના સંપર્કમાં આવી રહ્યા છે. ત્યારે આ એક અલગ ચેઈન ઊભી થઈ રહી છે જેને રોકવી હવે વહિવટી તંત્ર દ્વારા મુશ્કેલ બનશે એમ કહેવામાં કંઈ ખોટુ નથી.
શરુઆતમાં તબલિઘી જમાતના નામે ઠીકરું ફોડીને તંત્ર આંખ આડાકાન કરી રહ્યું હતું. પરંતુ હવે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી હવે કોરોનાનું સંક્રમણ પૂર્વ-પશ્ચિમ વિસ્તાર અને શહેરના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે.
શાકભાજી અનાજના વેપારીઓ પર અંકુશ લાદવો લગભવ અસંભવ છે. આ ચેઈનને અટકાવી ન શકાય પરંતુ તેમનુ કામ સંચાલન એએમસી અને આરોગ્ય વિભાગે પોતાના તાબા હેઠળ લેવુ જોઈએ.