દુનિયાના સૌથી તાકાતવાર દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. કોરોના સંક્રમિત થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પને શ્વાસ લેવામાં તકલીફ થતાં મેરીલેન્ડની વોલ્ટર રીડ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ટ્રમ્પને શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત તાવ અને શરદીની ફરિયાદ પણ છે. જેના કારણે તેમને હજી થોડા દિવસ હોસ્પિટલમાં જ સારવાર લેવાની રહેશે.
ન્યૂયોર્ક ટાઇમ્સના રિપોર્ટના મતે ટ્રમ્પ 74 વર્ષના છે અને ઓવરવેટ પણ છે. જો કે તેમને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ આપવામાં આવી રહી છે. પરંતુ તેમણે કોરોનાથી વધુ ખતરો છે કારણ કે તેમના કેટલાંય રિસ્ક ફેકટર છે. ટ્રમ્પને પહેલાથી હાર્ટ સંબંધિત સમસ્યા પણ છે. હાર્ટમાં નજીવી સમસ્યા અને હાઇ કોલેસ્ટ્રોલ માટે ટ્રમ્પ દવાઓ પણ લેતા રહે છે.
વ્હાઈટ હાઉસના તબીબ શોન કોનલે કહ્યું કે, તબીબી વિશેષજ્ઞોની ટીમે રાષ્ટ્રપતિ ટ્રમ્પની સારવાર માટે રેમેડિસવિર થેરેપીની શરુઆત કરી છે. તેમની તબિયતમાં હાલ સુધારો છે. તેમને અત્યારે ઓક્સીજન આપવાની જરુર નથી. મહત્વનું છે કે, શુક્રવારના રોજ ટ્રમ્પને અમેરિકાના વોલ્ટર રીડ નેશનલ મિલિટ્રી મેડિકલ સેન્ટરમાં દાખલ કરાયા છે. ટ્રમ્પની ગેરહાજરીમાં ચુંટણી પ્રચારની જવાબદારી ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસ અને સેનેટ સ્પીકર નેન્સી પેલોસી સંભાળી રહ્યા છે.