ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વધતુ જોવા મળી રહ્યુ છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં વધતુ જતુ કોરોનાનું સંક્રમણ તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યમાં 20 નવેમ્બર સાંજથી 21 નવેમ્બર સાંજ સુધીમાં વધુ 1515 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસની સંખ્યા હાલ વધીને 195917 થઈ ગઈ છે.
તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 1271 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 9 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3846 થયો છે.
જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 178786 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવ્યા છે. અમદાવાદમાં 373 પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. જ્યારે સુરતમાં 262, રાજકોટમાં 137, વડોદરામાં 164 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 13285 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે. તો બીજીબાજુ કોરોનાના સંક્રમણને ફેલાતો રોકવા માટે પણ તંત્ર દ્વારા તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.