મહારાષ્ટ્ર સહિત દેશના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધતુ જોવા મળી રહ્યુ છે. ત્યારે મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધતો જોઈ મહત્વનો નિર્ણય લેવાયો છે. કોરોનાના કહેરને જોતા સરકારે નાગપુરમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.
નાગપુરના પાલકમંત્રી નિતિન રાઉતે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે શહેરમાં 15 થી 21 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. એટલે કે કોઈને પણ બહાર જવાની મંજૂરી રહેશે નહીં. ફક્ત જરૂરી માલસામાનની દુકાનો જ ખુલ્લી રહેશે. બીજીબાજુ નગર નિગમ પ્રશાસને કહ્યું હતું કે લોકો કોરોનાને હળવાશમાં લઈ રહ્યા છે.
નાગપુર નગર નિગમના કમિશનર રાધાકૃષ્ણ બીએ બુધવારે કહ્યું હતું કે લોકો મહામારીને હળવાશમાં લઈ રહ્યા છે. જોકે તે વધુ ઘાતક સાબિત થઈ શકે છે. જેથી નાગરિકોની મદદ વગર આપણે આ મહામારી પર કાબૂ મેળવી શકીએ એમ નથી. આપને જણાવી દઈએ કે નાગપુરમાં બુધવારે કોરોનાના 1710 નવા કેસ આવ્યા હતા. 173 દિવસ બાદ કોરોનાના સૌથી વધુ કેસ એક જ દિવસમાં આવવાનો આ રેકોર્ડ છે. નાગપુર નગર નિગમે બુધવારે કહ્યું હતું કે કોરોનાના નવા કેસ મહિલાઓ અને 20થી 40ની ઉંમર વર્ગના લોકોમાં જોવા મળી રહ્યા છે હાલ 14 માર્ચ સુધી નાગપુરમાં રાત્રિ કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યુ છે.