ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કેસોની સંખ્યા સતત વધવાના કારણે તંત્રની પણ ચિંતા વધી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા બાદ જામનગર અને રાજકોટમાં પણ કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ 1310 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી છે. રાજ્યમાં 31 ઓગસ્ટ સાંજથી 1 સપ્ટેમ્બર સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1310 પોઝિટિવ કેસ નોંધાયા છે.
આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 97745 થઈ છે. રાજ્યમાં કોરોનાનો કહેર વધતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 1131 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 24 કલાકમાં વધુ 14 દર્દીના કોરોનાથી મોત થયા છે. જેમાં સૌથી વધુ સુરતમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે અમદાવાદમાં 4, વડોદરામાં 2 અને જામનગર-ગીરસોમનાથમાં 1-1 દર્દીનું મોત થયુ છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3036 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 79013 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 289 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 159, વડોદરામાં 121 અને રાજકોટમાં 125 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 53, જામનગરમાં 113 , પંચમહાલમાં 37, કચ્છમાં 20, ભરુચમાં 25 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 15796 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.