ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. અનલોક 1 બાદ અનલોક 2 લાગુ થઈ ચુક્યુ છે ત્યારે આ દરમિયાન કોરોનાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ બાદ હવે કોરોનાએ સુરતને બાનમાં લીધું છે. સુરતમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 7 જુલાઈ સાંજથી 8 જુલાઈ સાંજ સુધીમાં સુરતમાં કોરોનાના વધુ 273 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા 1014 લોકોનો કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી 273 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સુરતમાં આ સાથે જ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 6731 થઈ ગઈ છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 181 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરતમાં અત્યાર સુધી 4366 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 5 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધી સુરતમાં 199 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. તો હાલ સુરત જિલ્લામાં 2166 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમને હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે.