જો તમને લાગે છે કે કોરોના વાયરસ નબળો પડી રહ્યો છે અને હવે તમને વધુ ખતરો નથી, તો તમે ખોટા છો. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કોરોના વાયરસના એક નવા ખતરનાક તબક્કાની ચેતવણી આપી છે.
WHOના વડાએ કહ્યું કે કોવિડ -19 રોગચાળો વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. વિશ્વમાં કોવિડ -19 ચેપનો આંક કેસ 87.65 લાખને પાર કરી ગયો છે 4.62 લાખના મોત થયા છે. ભારતમાં પણ છેલ્લા અઠવાડિયામાં આ આંકડો ઝડપથી વધી ગયો. છેલ્લા 24 કલાકમાં 15 હજાર જેટલા ચેપના કિસ્સા જોવા મળ્યા હતા.
હવે WHO ફરી એક વખત ચેતવણી આપી છે કે વાયરસ એક વધુ ખતરનાક તબક્કામાં આવી ગયો છે અને આ વખતે સ્થિતિ પહેલા રાઉન્ડ કરતા વધુ ગંભીર હશે.
એક વર્ચુઅલ પત્રકાર પરિષદમાં તેમણે કહ્યુ કે, વિશ્વ મહામારીના વધુ એક ખતરનાક તબક્કામાં છે. મોટાભાગના લોકો ઘરમાં બેસીને કંટાળી ગયા છે, પરંતુ સ્થિતિ હજુ સારી નથી. વાયરસ હજુ પણ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અમેરિકાની સાથે પશ્ચિમી એશિયામાં પણ મોટી સંખ્યામાં કેસ સામે આવી રહ્યાં છે, જે ચિંતાનો વિષય છે.
8 દેશોમાં બે લાખથી વધુ કેસ
બ્રાઝિલ, રશિયા, સ્પેન, યુકે, ઇટાલી, ભારત, પેરુમાં કોરોના કેસની સંખ્યા બે લાખને વટાવી ગઈ છે. આ સિવાય એવા આઠ દેશો છે જ્યાં એક લાખથી વધુ કોરોના કેસ છે. ત્યાં ચાર દેશો (અમેરિકા, બ્રાઝિલ, બ્રિટન, ઇટાલી) છે જ્યાં 30 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. યુ.એસ.માં મૃત્યુઆંક 1.21 લાખને વટાવી ગયો છે. ચીન ટોપ -18 ચેપગ્રસ્ત દેશોની યાદીમાંથી બહાર આવ્યું છે. તે જ સમયે, ભારત ટોપ -4 દેશોમાં સામેલ થઈ ગયું છે.