દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ફક્ત દિલ્હીમાં ગત 6 દિવસની અંદર 628 લોકોએ પોતાના જીવ ગુમાવી દીધા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી કોરોનાને રોકવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ તમામની માહિતી આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધને કહ્યું કે કોરોનાની વિરુદ્ધ લડાઈનો 11મો મહિનો ચાલી રહ્યો છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું કે સમગ્ર દુનિયામાં 250 કોરોના રસીની કંપનીઓ છે. આમાંથી 30ની નજર ભારત પર છે. દેશમાં 5 રસીના ટ્રાયલ ચાલી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, 2021ના પહેલા 3 મહિનામાં આપણને રસી મળશે. તેમજ 2021 સપ્ટેમ્બર સુધીમાં 25થી 30 કરોડ ભારતીઓને રસી આપી દેવામાં આવશે. સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે સૌથી પહેલા હેલ્થ વર્કરને કોરોનાની રસી આપવામાં આવશે. ત્યારબાદ ફ્રન્ટ લાઈન વર્કર, પોલીસ અને પેરામિલિટ્રી ફોર્સને રસી લગાવવામાં આવશે અને બાદમાં 65 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને કોરોનાની રસી લગાવવામાં આવશે