ભારતમાં ડિસેમ્બર 2020 બાદ પ્રથમ વખત 24 કલાકમાં કોરોના સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના 35,871 નવા કેસો નોંધાયા છે. દેશમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બુધવારે મિટિંગ કરી હતી.
આ વર્ચ્યુઅલ બેઠકમાં વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે કોરોના રોકવાની સાથે રસીકરણની યોજના તેમજ ટેસ્ટિંગ વધારવા પર ભાર મુક્યો હતો. ત્યારે પીએમ મોદીની તાકીદ બાદ ગુજરાતમાં ટેસ્ટિંગ તથા રસીકરણ વધારવાની શરુઆત કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ બેઠકમાં વડાપ્રધાનને એવી માહિતી આપી હતી કે, રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા વધતા કન્ટેનમેન્ટ ઝોન વધારી ત્યાં સર્વેલન્સ સઘન કરાયું છે, અત્યારે રાજ્યમાં કુલ ૩,૧૪૬ કન્ટેનમેન્ટ ઝોન છે અને ૪ હજારથી વધુ મેડિકલ ટીમ દ્વારા સર્વેલન્સ થઈ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન સહિત રાજ્યના વરિષ્ઠ સચિવોની હાજરીવાળી આ બેઠકમાં મુખ્યમંત્રીઓ વડાપ્રધાનને જણાવ્યું હતું કે, રાજ્યમાં અત્યારે રોજ સરેરાશ દોઢ લાખ લોકોનું વેક્સિનેશન થઈ રહ્યું છે, જે વધારીને દરરોજ ૩ લાખ વેક્સિનેશન કરવામાં આવશે, વેક્સિનેશનનો સમય વધારીને રાત્રે ૯ વાગ્યા સુધીનો કરાયો છે.