વડાપ્રધાને ગુજરાત સરકારને ટેસ્ટ વધારવાની સલાહ આપ્યા બાદથી ટેસ્ટિંગની પ્રક્રિયા વધુ ઝડપી બનાવવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં કોરોનાના ટેસ્ટિંગ ઓછા થઈ રહ્યા હોવાને લઈ અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. જોકે, હવે વડાપ્રધાન મોદી દ્વારા ગુજરાત સરકારને ટેસ્ટિંગ વધારવાની ટકોર કર્યા બાદ હવે ટેસ્ટિંગ વધારવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાનની ટકોર બાદ રાજ્યમાં પહેલી વખત વિક્રમજનક કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા. 11 ઓગસ્ટે પીએમ મોદીએ દેશના જે રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે તેવા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગુજરાત, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, બિહાર સહિતના પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ બેઠકમાં જોડાયા હતા.
(File Pic)
આ બેઠક બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ગુજરાતમાં કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા વધારવાની જાહેરાત કરાઈ હતી. તેમણે ગુજરાતમાં દરરોજ 50 હજાર સુધી કોરોના ટેસ્ટ કરવાની જાહેરાત કરી હતી. નાયબ મુખ્યમંત્રીની આ જાહેરાત બાદ બીજા દિવસથી ગુજરાતમાં ટેસ્ટિંગ વધારી દેવાયા. ત્યારે સવાલ એ પણ છે કે અત્યાર સુધી જો રાજ્ય સરકારે કોરોનાના ટેસ્ટિંગ આજ ગતિથી કર્યા કેમ નહીં? શું રાજ્યની રુપાણી સરકાર હજી પણ કેન્દ્રની મોદી સરકારના ઈશારા પર કામ કરતી હોવાની ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યુ છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડ-19ના કુલ 11 લાખ 59 હજાર 822 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમજ રિકવરી રેટ 77.15 ટકાએ પહોંચ્યો છે.