દેશમાં કોરોનાના મામલા ઝડપથી વધી રહ્યાં છે. મહારાષ્ટ્ર સૌથી વધુ કોરોના પ્રભાવિત રાજ્યમાં ટોપ પર છે. મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. હવે મહારાષ્ટ્ર સરકાર કોરોના ટેસ્ટિંગ માટે એક નવી ટેકનીકનો ઉપયોગ કરવા જઈ રહી છે. આ ટેકનિક બાદ અવાજથી કોરોનાનો ટેસ્ટ થઈ જશે. મળતી માહિતી મુજબ, મુંબઈ મનપા દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં હવે અવાજ ઉપરથી ખબર પડશે કે, તમને કોરોના છે કે નહીં.
બીએમસી આવતા અઠવાડિયે કોવિડ -19 નું નિદાન માટે એક નવી જ પદ્ધતિનો ઉપયોગ કરવા જઈ રહ્યુ છે. મુંબઈ મનપાના એડિ. મ્યુ. કમિશનર સુરેશ કાકાનીએ જણાવ્યું હતું કે, અમે AL-based વોઈસ સેમ્પલિંગ એપ્લિકેશનના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરી દીધી છે. ગોરેગાંવમાં નેશ્કો ફેસિલિટીમાં 1000 જેટલા કોરોના શંકાસ્પદ અને પોઝિટિવ વ્યક્તિઓ ઉપર પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રયોગ કરીશું. આ અંગે શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ પણ ટ્વીટર પર જાણકારી આપી હતી.
આદિત્ય ઠાકરેએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, ‘બીએમસી અવાજના નમૂનાનો ઉપયોગ કરીને AL-આધારિત કોવિડ ટેસ્ટિંગનું એક પરીક્ષણ કરશે. આરટી-પીસીઆર ટેસ્ટિંગ પણ ચાલુ રહેશે. પરંતુ દુનિયાભરમાં ટેસ્ટ કરવામાં આવેલી ટેકનીક સાબિત કરે છે કે મહામારીમાં આપણે આપણા સ્વાસ્થ્યના માળખામાં ટેકનીકના ઉપયોગથી વસ્તુને અલગ રીતે જોવા અને વિકસિત કરવામાં મદદ કરી છે.’