ભારતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. વિશ્વમાં સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશોમાં ભારત બીજા સ્થાને પહોંચી ગયું છે. ત્યારે હવે એવા પણ કેસ સામે આવી રહ્યા છે જેમાં કોઈ વ્યક્તિને કોરોનાના લક્ષણ ન હોવાં છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોનો કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતું. જેમાં 20 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
જોકે ચોંકાવનારી વાત એ હતી કે આ 20 મુસાફરો પૈકી 18 લોકોમાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તેમ છતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મામલો સામે આવતા સ્વાસ્થ્ય વિભાગની પણ ચિંતા વધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા મુસાફરોનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. જેમાં 20 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ પૈકીના 18 મુસાફરોની તપાસ દરમિયાન કોરોનાનાં ચિહ્નો જોવા મળ્યાં નથી.
ટ્રેનમાં સવાર 18 મુસાફરો એસિમ્પટમેટિક હતા. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કુલ 20 મુસાફરોમાંથી, 2 ની ઉમર 70 વર્ષથી વધુ ઉંમરના હોવાથી તેમને લાઇફ કેર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 18 મુસાફરોને ક્વોરન્ટીન સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં હાલમાં અનલૉક 4.0 અંતર્ગત રાજધાની સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. તેવામાં આ મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવતા તેમને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ હતું.