ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોનો આંકડો 29 હજાર પાર કરી ગયો છે. સરકાર તરફથી કોરોનાનાં વધતા સંક્રમણને રોકવા માટે જરૂરી પગલા ઉઠાવવામાં આવે છે. દેશમાં 3 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતા જે રીતે કોરોનાનાં કેસ સામે આવી રહ્યા છે તે ચિંતાજનક છે. તેવામાં રેટિંગ એજન્સી ક્રિસિલે ભારતના GDP ગ્રોથના અનુમાનમાં મોટા પ્રમાણ ઘટાડો કર્યો છે. એજન્સીનું કહેવું છે કે કોરોનાવાઈરસ પર નિયંત્રણ માટે આપવામાં આવેલા લોકડાઉનના કારણે ભારતની અર્થવ્યવસ્થાને કુલ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન છે.
પ્રતિ વ્યક્તિના હિસાબથી સરેરાશ આ નુકસાન લગભગ 7,000 રૂપિયા જેટલું થશે. ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ ક્રિસિલે કહ્યું કે સરકારી સહયોગમાં જબરજસ્ત વૃદ્ધિ થવી જોઈએ. એજન્સીએ આ પહેલા ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન GDPમાં 6 ટકા વૃદ્ધિનું અનુમાન કર્યું હતું, જેને માર્ચના અંતમાં ઘટાડીને 3.5 ટકા અને હવે 1.8 ટકા પર લાવવામાં આવ્યું છે. ભારતીય અર્થવ્યવસ્થા માટે કોરોનાવાઈરસ એક મોટું સંકટ બની રહ્યો છે.
પહેલેથી જ સુસ્ત ગતિથી ચાલતી ઈકોનોમિનો ગ્રોથ રેટ 30 વર્ષના નીચલા સ્તરે જઈ શકે છે. રેટિંગ એજન્સી ફિચે ભારતના ગ્રોથ રેટના અનુમાનને ઘટાડીને 2 ટકા કર્યું છે. આ 30 વર્ષનું ન્યુનતમ સ્તર હશે. ઉલ્લેખનીય છે કે, તમામ રેટિંગ એજન્સીઓએ કોરોનાના કારણે ભારતીય અર્થવ્યવસ્થાના ગ્રોથના અનુમાનમાં ભારે ઘટાડો કર્યો છે.
ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડ(IMF)એ કહ્યું હતું કે વર્ષ 2020માં ભારતના GDPમાં ગ્રોથનો દર 1.9 ટકા રહી શકે છે, જોકે તેમ છતા આ વિશ્વમાં સૌથી ઝડપી ગતિ હશે. કોરોનાના કારણે વિશ્વના મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થાને નુકસાન થશે અને વર્ષ 1930ની મહામંદી પછીની સૌથી મોટી મંદી આવે તેવી શકયતા છે.