ભારતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. આ જીવલેણ વાયરસની મહામારી વધુને વધુ ફેલાઈ રહી છે. રવિવારે એક જ દિવસમાં કોરોનાના 23,205 કેસ નોંધાતા ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6.90 લાખથી વધુ થઈ ગઈ છે..
આ સાથે કોરોનાના કેસના સંદર્ભમાં ભારત રશિયાને પાછળ રાખીને વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. . છેલ્લા 10 દિવસના આંકડા જોઈએ તો ભારતમાં સંક્રમણના કેસ ખૂબ જ ઝડપથી વધ્યા છે. રશિયામાં જ્યાં 67 હજાર 634 કેસ મળ્યા જ્યારે ભારતમાં 2 લાખ 919 કેસ સામે આવ્યા છે. ભારતમાં 6.85 લાખ કેસ થવામાં 158 દિવસનો સમય લાગ્યો.
ભારતમાં હવે દરરોજ સરેરાશ 22 હજારથી વધારે નવા કેસ આવી રહ્યા છે. ભારતમાં જૂન મહિનામાં 3 લાખ 87 હજાર 425 કેસ આવ્યા હતા. મહત્વનું છે કે, ભારતમાં સંક્રમણનો પહેલો કેસ 30 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. જ્યારે રશિયામાં સંક્રમણનો પહેલો કેસ 31 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો.
વિશ્વમાં કોરોનાનાની પરિસ્થિતિ પર નજર રાખતી વેબસાઈટ વર્લ્ડોમીટર મુજબ ભારતમાં કોરોનાના કેસની કુલ સંખ્યા 6.95 લાખ થઈ ગઈ છે અને રશિયાને પાછળ રાખીને ભારત ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. ભારતની આગળ અમેરિકા 29.55 લાખ કેસ સાથે પહેલાં અને બ્રાઝિલ 15.78 લાખ કેસ સાથે બીજા ક્રમે છે. રશિયામાં કોરોનાના 6.81 લાખ કેસ છે.