કોરોના વાયરસનું સંક્રમણ ભારતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે. રોજે રોજ નોંધાતા હજારો કોરોનાના પોઝિટિવ કેસના પગલે સરકાર પણ હરકતમાં આવી છે. અનલોક 3 બાદ આ સંક્રમણ વધવાની દહેશત છે. કોરોનાનું સંક્રમણ ફેલાતા અટકાવવા માટે સરકારે પણ કેટલીક ગાઈડલાઈન બહાર પાડી છે. તેમજ સતર્કતા દાખવવાપણ સલાહ આપવામાં આવી છે. ત્યારે તાજેતરમાં જ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) તરફથી જાણકારી આપવામાં આવી છે કે કોરોનાકાળમાં પ્લાસ્ટિકના પેકેટમાં મળનાર દૂધ ઘરે લાવતી વખતે અને લાવીને તેને ઉકાળતાં અને ઉપયોગ કરતી વખતે કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.
(File Pic)
FSSAIએ એ પણ જણાવ્યું છે કે દૂધના પેકેટ મારફતે પણ લોકોના ઘર સુધી કોરોના વાયરસ ઘુસી શકે છે. FSSAI તરફથી કહેવામાં આવ્યું છે કે લોકોએ એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે તેમણે પોતે તો માસ્ક પહેરવું જ જોઈએ પણ દૂધવાળાએ માસ્ક પહેર્યું છે કે નહીં તે વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ.
આ ઉપરાંત જણાવાયું છે કે, જ્યારે તમે દૂધનું પેકેટ બજારથી ઘરે લાવો તો તેને તાત્કાલિક ઉપયોગ ન કરો. પરંતુ રસોઇ અથવા બાથરૂમનો નળ ખોલીને વહેતા પાણીમાં આ પેકેટને સારી રીતે ધોઇ લેવુ જોઈએ. પેકેટ ધોયા બાદ સૌથી પહેલાં હાથ ધોવો અને પછી આ પેકેટને સ્વચ્છ કાતરની મદદથી કાપીને વાસણમાં દૂધ નિકાળવું જોઈએ. એફએસએસએઆઈ દ્વારા આપવામાં આવેલ સલાહમાં જણાવાયું છે કે, એ વાતનું ધ્યાન રાખો કે દૂધને વાસણમાં નાખતી વખતે પેકેટ પર લાગેલું પાણી દૂધમાં પડે નહી. પેકેટમાં આવતું દૂધ પ્રોસેસ્ડ મિલ્ક હોય છે. તમે તેને ગરમ કર્યા વિના પણ ઉપયોગ કરી શકો છો. પરંતુ આ સામાન્ય દિવસોમાં સારું રહેશે. જોકે કોરોનાના ખતરાથી બચવા માટે જરૂરી છે કે તમે દૂધને સારી રીતે ગરમ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરો.