દેશમાં કોરોના વાઈરસના વધતા સંક્રમણની અસર હવે સરકારી યોજનાઓ પર પણ પડવા લાગી છે. કેન્દ્ર સરકારે હાલના નાણાંકીય વર્ષ 2020-21માં કોઈ પણ નવી સરકારી યોજનાની શરૂઆત નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
નાણામંત્રાલયે તમામ મંત્રાલયોને નવી યોજનાઓને આ નાણાંકીય વર્ષ સુધી શરૂ નહીં કરવાનું કહ્યું છે. જો કે સરકારે “આત્મનિર્ભર ભારત અભિયાન” અને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ” જેવી યોજનાઓ પર કોઈ પણ પ્રકારની રોક નથી લગાવી.
મળતી માહિતી મુજબ, કોવિડ-19 સંકટ અને લૉકડાઉનની વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આદેશ અનુસાર માર્ચ 2021 સુધી કોઈ પણ નવી સ્કીમ શરૂ નહીં થાય. આદેશ FY20-21માં સ્વીકૃત કે મૂલ્યાંકનવાળી તમામ સ્કીમ પર લાગુ પડશે.
એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટથી મળેલી સૈદ્ધાંતિક મંજૂરીવાળી સ્કીમ પણ સામેલ છે. તેમાં SFCના 500 કરોડથી ઉપરની નવી સ્કીમ ઉપર પણ બ્રેક લાગેલી રહેશે. નાણા મંત્રાલયે રેવન્યૂમાં ઘટાડાનો હવાલો આપતાં આદેશ જાહેર કર્યો છે. નાણા મંત્રાલયના એક્સપેન્ડિચર ડિપાર્ટમેન્ટે આ આદેશ 4 જૂને જાહેર કર્યો છે. મંત્રાલયો અને વિભાગોને પોતપોતાની યાદી 30 જૂન સુધી સોંપવાનું કહેવામાં આવ્યું છે.