દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનને પણ લંબાવી 3 મે સુધી કરવામાં આવ્યું છે.એવામાં લોકડાઉન ખતમ થયા બાદ દેશમાં કેવી રીતે કામકાજ થશે તેને લઈને સરકાર એક્શન પ્લાન તૈયાર કરી રહી છે.
સુત્રોના જણાવ્યા મુજબ લોકડાઉન બાદ સરકારનો ઉદ્દેશ્ય હશે કે ઓછામાં ઓછા લોકોની સાથે વધુમાં વધુ કામ. જેથી દેશની અર્થવ્યવસ્થા પણ પાટા પર આવી શકે અને લોકો કોરોનાથી બચીને પણ રહી શકે. સરકારે હજુ સુધી એ વાત પર કોઈ નિર્ણય નથી લીધો કે લોકડાઉનને 3 મે બાદ આગળ વધારવામાં આવશે કે નહીં..
પરંતુ સરકાર તરફથી હાલમાં લોકડાઉન બાદની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે 20 એપ્રિલથી કૃષિ અને ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રોમાં કેટલીક છૂટ પણ આપી છે. સુત્રોના જણાવ્યા મુજબ ત્રણ મે બાદ અનેક પ્રકારની છૂટ મળી શકે છે.
લોકડાઉન બાદ અલગ ગાઈડલાઈન સરકાર દ્વારા જાહેર કરવામાં આવી શકે છે. જેનું રાજ્યોએ પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત એ વાતની પણ આશા ઓછી છે કે લોકડાઉન બાદ કોઈ લગ્ન પ્રસંગો કે પછી ધાર્મિક આયોજનોને છૂટ મળી શકશે.
માનવામાં આવી રહ્યું છે કે સરકાર શક્ય એટલી વધુ ઓફિસના સ્ટાફને ઘરેથી કામ કરવા માટે કહેશે. ઉપરાંત ફેક્ટરીઓમાં પણ પણ કામકાજ શરુ થશે પરંતુ અહીં શિફ્ટના ટાઈમિંગને વધારીને સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર મૂકવામાં આવશે.