દેશમાં કોરોના સંક્રમણનો વ્યાપ રોજેરોજ વધતો જઈ રહ્યો છે. હવે કુલ સંક્રમિતોનો આંક 66 લાખને પાર થઈ ગયો છે. પણ થોડી રાહતની વાત એ છે કે થોડા દિવસો પહેલા જે 24 કલાકમાં 90 હજારથી વધુ કેસો સામે આવતા હતા તેમાં ઘણો મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે મૃત્યુઆંકમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 74,442 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 903 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. 7થી13 સપ્ટેમ્બરના સપ્તાહમાં મૃત્યુઆંક સર્વોચ્ચ સ્તરે હતો તેની સરખામણીમાં હવે 15 ટકા જેટલો નીચો આવી ગયો છે. દેશમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 55 લાખ 86 હજાર 704 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.
હાલ 9,34,427 એક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,02,685 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. બીજીબાજુ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 4 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 7,99,82,394 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.