કોરોનાં વાયરસનો વ્યાપ વધતાં WHO દ્વારા તેને વૈશ્વિક મહામારી જાહેર કરતા દેશવ્યાપી લોકડાઉન કરવામાં આવ્યું છે. જેને લઈ ધંધા રોજગાર ઠપ્પ થતાં આમ નાગરિકની કમર તૂટી છે. તેવામાં વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોના અંધેર વહીવટને કારણે નગરજનો હાલાકીનો ભોગ બનવા પામ્યા છે. વડોદરામાં દિવસેને દિવસે કોરોનાં પોઝિટિવ કેસો વધતાં લોકોમાં કોરોનાં વાયરસનો ભય ફેલાયો છે.
તેવામાં શહેરના ગાજરાવાડી, ગોમતીપુરા, ગોકુલનગરમાં છેલ્લા 1 મહિનાથી પીળાં રંગનું અને દુષિત પાણી આવતાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભર ઉનાળે પીવાનું ચોખ્ખું પાણી ન મળતાં રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. પાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ કરવામાં ન આવતા સ્થાનિકોએ એકત્ર થઈ ભારે સુત્રોચ્ચારો પોકારી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો. ચોખ્ખું પાણી આપવા નિષ્ફળ નિવડેલા પાલિકા તંત્રને વેરો માફ કરવા માંગ કરી હતી.