વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 20 હજાર કરોડના નવા સંસદ ભવનનું નિર્માણ અટકી પડ્યુ છે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ નવા સંસદ ભવન નિર્માણ વાળા સેંટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને લઇને સુપ્રીમ કોર્ટે આક્રમક રીતે કેન્દ્ર સરકારને ઝાટકણી કાઢી હતી. સુપ્રીમે કહ્યું હતું કે જ્યાં સુધી આ મામલે ચુકાદો ન આપીએ ત્યાં સુધી કોઇ જ નિર્માણ કામ ન કરવામાં આવે.
સુપ્રીમે આ મામલે સોલિસિટર જનરલ તુષાર મેહતાને કહ્યું કે તમે પ્રેસ રિલીઝ કરીને નિર્માણ કામની તારીખો પણ જાહેર કરી દીધી, જ્યારે કોર્ટે કહ્યું છે કે હાલ તેના પર કોઇ જ કામ નહીં કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે સાથે એમ પણ કહ્યું કે શિલાન્યાસથી અમને કોઇ જ વાંધો નથી, પણ નિર્માણનું કોઇ જ કામ હાલ આગળ વધારવામાં નહીં આવે.
સુપ્રીમ કોર્ટની સખતીને કારણે કેન્દ્ર સરકાર ઝુકી ગઇ છે, સેંટ્રલ વિસ્ટા પ્રોજેક્ટમાં હાલ કોઇ જ કામ નહીં કરીએ તેવી કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને ખાતરી આપવી પડી છે. કોર્ટના આકરા વલણ બાદ કેન્દ્ર સરકાર તરફથી તુષાર મહેતાએ જણાવ્યું કે, માત્ર શિલાન્યાસ કરવામાં આવશે, ત્યાં કોઇ નિર્માણ કામ હાલ નહીં કરવામાં આવે.