ગત મોડી રાત્રે અમદાવાદમાં ATSની ટીમ પર ફાયરિંગ થયાની ઘટના સામે આવી હતી. આ મામલે ATSએ એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. આરોપીની પૂછપરછમાં ગુજરાતમાં ભાજપના દિગ્ગજ નેતાની હત્યાના કાવતરાનો પર્દાફાશ થયો છે. ભાજપના નેતા અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે મુંબઈથી શાર્પ શૂટર અમદાવાદ આવ્યો હતો.
જોકે, એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોર્ડ (એટીએસ) એ તેને ઝડપી પાડ્યો છે. સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે ઝડપાયેલ શાર્પ શૂટર પાકિસ્તાનના ગેંગસ્ટર છોટા શકીલનો સાગરીત હોવાની ચર્ચા છે. મળતી માહિતી મુજબ, મંગળવારે રાત્રે એટીએસ અને ક્રાઈમબ્રાંચને બાતમી મળી હતી કે કોઈ શાર્પ શૂટર રિલિફ રોડ પર આવેલ વિનસ હોટલમાં રોકાયો છે અને ગુજરાતના કોઈ મોટા નેતાની હત્યા કરવાના ઈરાદા સાથે તે અહીં પહોંચ્યો છે.
(File Pic)
મુંબઈના ચૌહાણ હાજી મોહમ્મદના નામનું આધાર કાર્ડ આપી આ શાર્પ શૂટર હોટલમાં રોકાયો હતો. જ્યાં એટીએસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે છાપો મારતા તેણે ટીમ પર ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ એટીએસની ટીમે કાર્યવાહી કરતા તેને ઝડપી પાડ્યો છે. સુત્રોના જણાવ્યા મુજબ, તે આ હોટલમાં ખોટા નામથી રોકાયો હતો. તેનું નામ ઇરફાન ઈલિયાસ શેખ ઉર્ફે કાળિયો છે. જે મૂળ મુંબઈના ચેમ્બુરનો રહેવાસી છે.
(File Pic)
આ શાર્પ શૂટરના મોબાઇલમાંથી ગોરધન ઝડફિયાનો ફોટો પણ મળી આવ્યો છે. પૂછપરછમાં આ શાર્પ શૂટરે કમલમ ખાતે રેકી કરી હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. એટીએસની ટીમે તેની પાસેથી ઓટોમેટિક રિવોલ્વર પણ કબજે કરી છે. શાર્પ શૂટર પકડાયા પછી ખૂદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે ગોરધન ઝડફિયાને માહિતી આપી હતી. તેમજ ગોરધન ઝડફિયાની સુરક્ષા વધારવાના આદેશ અપાયા છે. મહત્વનું છે કે, ગોરધન ઝડફિયા નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી હતા.