કોંગ્રેસ નેતા અહેમદ પટેલની સાંડેસરા બંધુ કેસમાં ત્રીજી વખત પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ માટે EDની ટીમ અહેમદ પટેલના નિવાસસ્થાને પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, પ્રવર્તન નિદેશાલયની ટીમ દ્વારા બેંક કૌભાંડ અને મની લૉન્ડ્રિંગ કેસ મામલે ગુજરાતના કોંગ્રેસ નેતા અહમદ પટેલના નિવાસ સ્થાને ફરી પુછપરછ કરવા પહોંચી હતી. આ અગાઉ 27 જૂન તેમજ 30 જૂનના રોજ અહમદ પટેલની ED દ્વારા પુછપરછ કરવામાં આવી હતી.
ED દ્વારા અહેમદ પટેલની સ્ટર્લિંગ બાયોટેક તેમજ સાંડેસરા ભાઇ સાથેના તેમના કથિત સંબંધોને લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે. 2017માં કેટલીક બેંકો સાથે છેતરપિંડી કરી હજારો કરોડો રૂપિયાનું કૌભાંડ કરી દેશ છોડીને ભાગી ગયા હતા. સાંડેસરા મામલે સીબીઆઇ તેમજ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે, 2014 પહેલાં નીતિન સાંડેસરાએ ખોટી સંપતિઓ દર્શાવી અને આંધ્ર બેંક અને એની સંબંધિત બેંકો પાસેથી રૂપિયા 5000 કરોડની લોન લીધી હતી. 31 ડિસેમ્બર 2016 એ નીતિન સાંડેસરાની આ લોન રૂ.5383 કરોડ સાથે NPA જાહેર થઇ હતી. ત્યારબાદ EDએ સ્ટર્લિંગ બાયોટેક, પ્લાન્ટ્સ, વિવધ શેર અને 200 બેંક અકાઉન્ટસ મળી કુલ રૂ.4700 કરોડની વિવિધ સંપત્તિઓ જપ્ત કરી હતી.